Posts Tagged ‘Unza Jodani’

અલાસ્કા ભ્રમણ-૨

ઓગસ્ટ 18, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

(ભાગ-૧ માટે અહી ક્લીક કરો)

એક્ઝીટ (Exit) ગ્લેસીયર

પગપાળા જઈને ગ્લેસીયરને પીગળતો જોવો હોય, તો Exit ગ્લેસીયર શ્રેશ્ઠ જગ્યા છે.  કીનાઈ ફ્યોર્ડ નેશનલ પાર્કનુ રેન્જર સ્ટેશન ગ્લેસીયરથી અડધો માઈલ દુર જ છે – જ્યાં તમને બધી માહીતી મળી શકે.  કીનાઈ ફ્યોર્ડ વીસ્તારના લગભગ સત્તર ગ્લેસીયર્સનો સ્રોત “હાર્ડીંગ આઈસફીલ્ડ” છે.  હીમયુગમા પ્રુથ્વી કેવી દેખાતી હશે – તે જોવુ હોય તો હાર્ડીંગ આઈસફીલ્ડની મુલાકાત લેવી જોઈએ.  દુર્ભાગ્યે અમે જયારે પહોચ્યા ત્યારે આખો દીવસ સખત વરસાદ હતો, એટલે આઈસફીલ્ડ સુધીની સાત માઈલની હાઈક ના થઈ.  ૫૦ માઈલ લાંબો, ૩૦ માઈલ પહોળો અને દોઢ-બે હજાર ફુટ જાડો વીશાળ બરફનો પટ્ટો એટલે હાર્ડીંગ આઈસફીલ્ડ.  એમા ફસાયેલી એક ટુકડીને બહાર નીકળવાનો રસ્તો (exit) જે ગ્લેસીયર પરથી મળ્યો તેનુ નામ પડ્યુ એક્ઝીટ ગ્લેસીયર.  ઈ.સ. ૧૯૦૦મા એક “માઈક્રો આઈસ એજ” પુરો થયો – અને ત્યારથી આ ગ્લેસીયર પીછે હઠ કરી રહ્યો છે. ગ્લેસીયર તરફ જતા રસ્તે જુદા-જુદા વર્શના પાટીયા મારેલા – જે બતાવતા હતા કે જુદા જુદા વર્શે ગ્લેસીયરની માયા ક્યા સુધી વીસ્તરેલી હતી.

ગ્લેસીયર પીગળવાની જગ્યા એટલે કોઈ એક બીંદુ સુધી બરફ અને પછી પાણી હશે, અને “ટપકેશ્વર મહાદેવ”ની માફક પાણી ટપકતું હશે – એવી જો તમારી કલ્પના હોય, તો પીગળતો ગ્લેસીયરએ કલ્પનાના ચુરા કર નાખશે!  કોઈ અત્યંત તોફાની ઝરણાની માફક, પ્રતી સેકન્ડે હજારો ગેલન પાણી બરફની તોતીંગ પાટોની નીચેથી, બાજુમાંથી, બે પાટો વચ્ચેની ફાટો/તીરાડોમાંથી, અને અમુક કીસ્સાઓમાં બરફની પાટમા વચ્ચે બોગદું બનાવીને નીકળતું હતું.  આ પાણીના અવાજ અને સુસવાટા મારતા પવનની વચ્ચે જ્યારે કોઈ હીમશીલા થોડી ખસે એનો અવાજ સંભળાય ત્યારે ધ્યાનસ્થ પરીસ્થીતી જેવો ચીદાનંદ અનુભવાય!  કુદરતના વીશાળ નઝરાણાં અને તેની વીશાળ સમયરેખાઓ સામે આપણા જીવનની સુક્ષ્મતા; અને સાથે સાથે આ નૈસર્ગીક વાતાવરણ સાથે લયબધ્ધ થઈ શકવાની આપણી તોતીંગ ક્ષમતાનો એક સાથે અનુભવ મેળવવો એ એક સદભાગ્ય છે…

અંતરીયાળ અલાસ્કા

દરીયાકાંઠાને ‘રામ રામ’ કરી, અમે ડેનાલી નેશનલ પાર્કની મુલાકાતે ગયા. એન્કરેજથી ડેનાલીની પાંચ કલાકની બસ યાત્રા ઘણી મનમોહક રહી.  અલાસ્કાના બધા જ ધોરીમાર્ગો “સીંગલ પટ્ટી” માર્ગો છે.  ડેનાલી જતા રસ્તામાં બહેન સેરા પેલીનનુ ગામ પણ આવ્યું.  બસના ડ્રાઈવર ઘણા મોજીલા હતા અને અલાસ્કાના ઈતીહાસ વીશે માહીતી આપી રહ્યા હતા.  અલાસ્કા રશીયાનો ભાગ હતુ અને અમેરીકાએ એને ખરીદી લીધેલુ એ તો ખ્યાલ હતો, પણ એવું તો કેવું નેગોશીયેશન અમેરીકનોએ કરેલુ એ કુતુહલ મને રહ્યા કરતુ.

તો વાત એમ છે કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમા ટેલીફોનની શોધ થયા બાદ યુરોપ અને અમેરીકાને જોડવા એટલાન્ટીક મહાસાગરના તળીયે કેબલ્સ પાથરવાનુ કામ ચાલુ થયુ.  પહેલી કંપની કે જેણે એ કેબલ્સ પાથર્યા તે થોડા જ સમયમા તુટી ગયા.  આથી કેલીફોર્નીયાથી પેસીફીકના કીનારે કીનારે અલાસ્કાથી થઈ, સાઈબીરીયાથી પુર્વ યુરોપથી ઈંગ્લેન્ડ સુધી કેબલ પાથરવાનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો.  રશીયા/અલાસ્કા તરફથી કામ ચાલુ કરવા માટે અમેરીકાએ રશીયાને ૩ મીલીયન ડોલર્સ આપ્યા.  પણ આ પ્રોજેક્ટ આગળ વધે એ પહેલા બીજી એક કંપનીએ એટલાન્ટીક સમુદ્રના તળીયે સફળતાપુર્વક કેબલ્સ બીછાવી દીધા.  આથી, અલાસ્કા/રશીયામા કેબલ્સ પાથરવાનુ કામ પડતુ મુકાયુ.  અમેરીકનોએ જ્યારે રશીયન ઝાર પાસે પૈસા પાછા માંગ્યા ત્યારે ખબર પડીકે ઝારની તીજોરી ઈંગ્લેન્ડ સામેના યુધ્ધમા ખાલી થઈ ગયેલી!  અમેરીકાનો વીદેશ પ્રધાન વીલીયમ સ્યુઅર્ડ દુરંદેશી હતો.  રશીયનોને અલાસ્કા બ્રીટીશરોના હાથમા જતુ રહે એવો ડર પણ હતો.  આથી અમેરીકાએ ૭.૨ મીલીયન ડોલર્સમા અલાસ્કા મેળવી લીધુ.  જે તે સમયે વીલીયમ સ્યુઅર્ડનો ઘણો વીરોધ થયેલો, પરંતુ તેણે એક ઈન્ટર્વ્યુમા જણાવેલુ કે અલાસ્કા ખરીદવાની નીતીનુ મહત્વ સમજતા વર્શો લાગશે.

આમ આવી વાતો સાંબળતા જોત જોતામા અમે ડેનાલી પહોંચ્યા.  ઉત્તર અમેરીકા ખંડનુ સૌથી ઉંચુ શીખર – માઉન્ટ મેકેન્લી (૨૦,૮૦૦ ફુટ)ડેનાલી નેશનલ પાર્કમા છે.  પાર્કનો વીસ્તાર છે ૬ મીલીયન એકર્સ – જેમા માત્ર ૯૦ માઈલનો જ રસ્તો બનાવેલો છે, એ પૈકી ડામરનો રસ્તો તો માત્ર વીસેક માઈલ જ.  બાકીના ભાગની મુલાકાત લેવા માટે પાર્કની બસોમા જવુ પડે.  અહી ચારે બાજુ જાત-જાતની berries ઉગેલી જોવા મળી.  થોડી જંગલી blue-berries ચુંટીને ખાધી!  એક નાની હાઈક લઈને બીવરે બનાવેલા એક ડેમની મુલાકાત લીધી.  પાર્કની બસની ટુર દરમીયાન બે જગ્યાએ ગ્રીઝલી બેર જોવા મળ્યા – ફેરો સફળ થઈ ગયો :).  એક જગ્યાએ માતા અને બે બચ્ચાની ત્રીપુટી જોઈ, અને બીજુ એક ગ્રીઝલી એકલુ હતુ.  તે ઉપરાંત રૈનડીયર અને બીજા ઘણા પ્રાણીઓ જોયા.  ટ્રી લાઈન અહી ૩,૦૦૦ ફુટ સુધી જ હોય છે – એ નવું જાણવા મળ્યુ.

અહીં પણ ગ્લેસીયર્સ હતા, પણ દરીયા કીનારા જેટલી માત્રામા નહી.  પરંતુ પ્રાગૈતીહાસીક ગ્લેસીયર્સની અસરો ચારે બાજુ જોવા મળતી હતી.  છેલ્લા હીમયુગમા બરફની ચાદર ૩,૦૦૦ ફુટ ઉંચી હતી.  જયારે એ બરફ પીગળવા લાગ્યો ત્યારે નીચેના પર્વતોને ઘસાતો ગયો.  આથી જે પર્વતો ૩,૦૦૦ ફુટથી નીચા હતા એ smooth હતા, જ્યારે તેનાથી ઉંચા પર્વતોનુ બરછટપણું દેખાઈ આવતું.  વીશાળ ચરીયાણની વચ્ચે મોટો ખડક દેખાય ત્યારે સમજી લેવાનુ કે એ ગ્લેસીયરનુ કામ હશે.  પ્રાગૈતીહાસીક કાળમા ગ્લેસીયર્સ ઘણા પહોળા હતા, પરંતો અત્યારે તેઓ પર્વતોમા ઉંચાઈ પર સંકોડાઈને પડ્યા છે.  અત્યારે એમાથી નીકળતુ પાણી હજુ એ જ રસ્તો લે છે, જે હજારો/લાખો વર્શો પહેલા એ નદીના પુર્વજ ગ્લેસીયરે લીધેલો – અને એટલે જ પીગળતા બરફની આ નદીઓ ક્યારેય બે કાંઠે વહેતી નથી.  નદીના પટ પર પાણી કરતા પત્થરો અને કાંકરા વધુ હોય છે, અને પાણી પણ ઘણું જ ડહોળું.  ડેનાલી પાર્કના સૌથી ઉત્તરના બીંદુએ હું બસમાંથી ઉતરીને આવી એક નદીના પટ પર ફર્યો.  ઉત્તર દીશામા સૌથી વધુ દુર પહોંચીને તરત પાછા નહતું આવવુ.  સુસવાટા મારતા પવન, પ્રચંડ વેગથી વહેતી નદી, વીવીધ રંગી પત્થરો, અને વીશાળ પર્વતો વચ્ચે થોડા સમય માટે ખોવાઈ જવાની મજા જ કાંઈ ઔર છે…

Advertisements