Posts Tagged ‘umbari’

બાલુભાઈ

જાન્યુઆરી 20, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

શ્રી બાલુભાઈ જોશીનો પરીચય

બાલુભાઈ સાથે હોઉં, અને કોઈને એમનો પરીચય આપવાનો થાય, ત્યારે થોડીક મુંઝવણ ઉભી થાય.  એમના અને મારા સંબંધને શુ નામ આપવું?  મે એમની પાસેથી ઔપચારીક શીક્ષણ લીધુ નથી, એટલે ગુરુ કે શીક્ષકતો ના કહી શકુ.  કે નથી કોઈ ખાસ વીશય વીશે ઔપચારીક શીક્ષણ લીધુ – જેમકે શાસ્ત્રીય સંગીત, ચીત્રકળા વગેરે.  એટલે આખરે એમની “મારા મીત્ર” એવી જ ઓળખ આપવી પડે – અમારી વચ્ચે ઉંમરમાં પીસ્તાલીસેક વર્શનો તફાવત હોવા છતા!  એમને કોઈ મોટા હોદ્દા પર બેસાડી દઉં, તો એ એમને પોતાને ના ગમે – આખરે તો એ બધાના “ભાઈ” રહ્યાને!  અને એટલે જ એમની પત્નીને હું “ભાભી” કહીને સંબોધુ છુ.

ખેર, બાલુભાઈ સાથે ઓળખાણ કઈ રીતે થઈ એની નાની વાત કરીને આગળ વધુ…

પ્રથમ પરીચય:

હું જ્યારે નવ વર્શનો હતો, ત્યારે મારા મમ્મી વેરાવળ પાસે આવેલા ભીડીયાની પ્રાથમીક શાળામાં શીક્ષીકા તરીકે કામ કરતા.  ત્યારે બાલુભાઈ એમના થોડા સમય માટે આચાર્ય રહ્યા.  એ વખતે, મારા જન્મદીને હું મમ્મીની શાળાએ ગયેલો અને બાલુભાઈને ખબર પડી કે મારો જન્મદીન છે.  એ જાણીને એમણે તરત મારા માટે એક નાનો દડો ખરીદીને ભેટમાં આપ્યો – અને આમ એમની સાથે મીત્રતા બંધાઈ.  હવે બાકીની વાતો માત્ર સમયરેખા મુજબ ના લેતા, એમના વ્યક્તીત્વ અને અમારા સંબંધોની જે વીશેશ ખાસીયતો છે, એના આધારે કરીશ..

Balubhai Joshiઆત્મીયતાથી છલકાતું વ્યક્તીત્વ

ભારતીય આધ્યાત્મના અદ્વૈતવાદ મુજબ, બધાજ પશુ-પંખી, પાણીઓ અને અન્ય બધું જ હીરણ્યગર્ભના આગવા રુપો જ છે, અને આથી બધા એક બીજા સાથે સંકળાયેલા છે.  દલાઈ લામા પણ “connecting to people”ની વાતો વારંવાર કહે છે.  પરંતુ વ્યવહારમાં શું બધા જ વ્યક્તીઓ સાથે આત્મીય બનવું શક્ય છે?

બાલુભાઈને ઓળખું છુ, એટલે કહી શકુ કે, હા એમ જીવવું શક્ય છે.  બાલુભાઈને મે અજાણ્યા લોકો સાથે બહુ ઝડપથી આત્મીય થઈ જતા જોયા છે.  અને જાણીતા બની ગયા પછી જાણે એ હંમેશા માટે મીત્ર બની જાય છે.  કોઈ પણ નવી વ્યક્તીને મળે, એટલે એ એમના નામના અર્થથી શરુ કરે – એમની લોકો સાથે “connect” થવાની આ આગવી ઢબ છે.  મારી પોતાની જ વાત કરું, તો ચોથા ધોરણમાં મારી મૈત્રીપુર્ણ મુલાકાત બાદ થોડા સમયમાં ભાઈ એમની કર્મભુમી ઉંબરી જતા રહ્યા.  એ પછી હું એમને ૧૨મા ધોરણના વેકેશનમાં મળ્યો – આઠ વર્શ બાદ.  આમ છતાં, તેમને મારુ નામ યાદ હતું.  સહજ રીતે વર્શો સુધી કોઈનું નામ યાદ રાખવું અને આત્મીયતા જાળવવી ત્યારેજ શક્ય બને જ્યારે તમારા મનમા એક શુધ્ધતા હોય; જ્યારે તમારા પરીચયો માત્ર દુન્વયી લાભ ખાંટવા માટે કે પોતાના અહંકારના સંતોશ માટે ના હોય.

Master of many

કહે છે કે, “Either you can be a master of some, or Jack of all”.  ક્યાં તો તમે એકાદ-બે વીશયોના વીદ્વાન બની શકો, અથવા ઘણા બધા વીશયોનું ઉપર-છલ્લુ જ્ઞાન ધરાવી શકો.  બાલુભાઈ માટે એમ કહી શકું કે એ બધા તો નહી, પણ ઘણા બધા વીશયોના વીદ્વાન છે.  એમનું વીશાળ પુસ્તક collection માત્ર સંગ્રહ માટે નથી; એ એમણે વાંચ્યુ, માણ્યું અને પચાવ્યું છે.

ભૌતીક વીજ્ઞાન, અને ખાસતો ખગોળ વીજ્ઞાન વીશે વાંચ્યા પછી મને કોલેજમા કુતુહલ થયુ કે ચાલો આકાશને ઓળખીએ!  ત્યારે મારા મીત્ર રશેસ દ્વારા બાલુભાઈ સાથે ફરી ભેટ થઈ – અને ૧૯૯૪ના શીયાળામાં મ્રુગશીર્શ નક્ષત્રથી શરુ કરીને બાલુભાઈએ મને આકાશથી પરીચીત કર્યો.  પછીતો જાણે એક avelenche જેવી ઘટના બની!  આકાશના નકશાઓ, નક્ષત્રોના નામકરણ પાછળની વાર્તાઓ, જુદા-જુદા તારાઓની ખુબીઓ અને એમ કરતા કરતા હું એમની પાસે અને એમની પાસેના પુસ્તકો અને અન્ય સામગ્રીઓમાંથી હું ઘણું શીખ્યો.

૭ ઓગસ્ટ ૧૯૯૪ના રોજ આખરે “એસ્ટ્રોનોમી ક્લબ, વેરાવળ” નો જન્મ થયો, જેના બાલુભાઈ પરામર્શક રહ્યા.  એસ્ટ્રોનોમી ક્લબના માધ્યમથી વેરાવળના હાઈસ્કુલના વીદ્યાર્થીઓ સાથે ખગોળવીજ્ઞાનતો ખરું જ, બીજા ઘણા વીશયો અંગે ચર્ચા અને કાર્યો થયા.  મને પોતાને ઘણા જીંદગીભરના મીત્રો મળ્યા.

“દરેક લોકોને કોઈ ને કોઈ એક ‘hobby’ હોવી જોઈએ” – એવા બાલુભાઈના વીચાર થી પ્રોત્સાહીત થઈને અમે “hobby festival 1998″નું આયોજન કર્યુ.  Hobby શબ્દનું ગુજરાતીમાં યોગ્ય ભાશાંતર થાય, એ માટે બાલુભાઈ એ શબ્દ આપ્યો – “પ્રવ્રુત્તીવીશેશ” – રોજબરોજની પ્રવ્રુત્તીથી કશુંક વીશેશ એટલે પ્રવ્રુત્તીવીશેશ.  (શોખતો પાન ખાવાનો પણ હોય, પણ
પ્રવ્રુત્તીવીશેશ તો વીશેશ જ રહેવાની!)

Hobby festivalમા ત્રણ દીવસ પ્રદર્શનનું આયોજન કરી, ખગોળ, સંગીત, ચીત્રકલા, સીક્કા/ટપાલ-ટીકીટ/શંખ-છીપલાનો સંગ્રહ, ફોટોગ્રાફી, શબ્દોનો ઈતીહાસ, મોડેલવીમાન, મોડેલ-રોકેટરી, પક્ષી પરીચય વગેરે પ્રવ્રુત્તીવીશેશ કઈ રીતે કેળવવી એ અંગે લોકોને માર્ગદર્શન આપ્યુ – અને આ તમામ વીશયો પર બાલુભાઈનું કંઈ ને કંઈ યોગદાન તો હોય જ.

એટલે જ હું એમને ‘master of many’ કહું છુ.

આધુનીક મેનેજર

Astronomy Clubના પરામર્શક તરીકે બાલુભાઈનું માર્ગદર્શન હંમેશા મળતું. પરંતુ, સંસ્થાની રોજબરોજની કામગીરી કેમ ચલાવવી એ અંગેનું ‘micro management’ એમણે ક્યારેય નથી કર્યુ.  એકવાર જ્યારે એક કાર્યક્રમ માટે પૈસાની જરુર હતી ત્યારે અચાનકથી એમણે ખુટતા પૈસાની વ્યવસ્થા કરી આપી.

આવા જ મેનેજમેન્ટના સીધ્ધાંતો એમણે માનવીય સબંધોમાં પણ વાપર્યા છે.  સુખી થવાની એક બીજી ચાવી એમણે વાપરી છે, જે છે – “સબંધોની જવાબદારી નીભાવો, પરંતુ સામેની વ્યક્તી પાસેથી અપેક્ષાઓ ના રાખો”.  મારા અંગત જીવનમાં પણ બાલુભાઈની આ ગુરુચાવી ઘણી મદદરુપ નીવડી છે.

ઘણી બધી સંસ્થાઓ મા યોગદાન હોવા છતા, અને ઘણી બધી સંસ્થાઓમાં ઔપચારીક હોદ્દાઓ ધરાવતા હોવા છતા આ બાબતનું અભીમાન મે ક્યારેય એમની વાતો મા જોયુ નથી.  એક વાર એક કાર્યક્રમનું એમણે આયોજન કરેલું, અને મે પુછ્યુ કે “શું ઘણા લોકોને ભેગા કરેલા?” અર્થાત્, ‘મે ભેગા કર્યા’ એવો ભાવ એમણે ધારણના કર્યો.  વેદોના રુશીઓની જેમ પોતાને ‘સ્રુશ્ટા’ તરીકે નહીં, પણ દ્રશ્ટા તરીકે જોવાનું એમને કોઠે પડી ગયું છે.

દીલોને જોડનારા વડીલ

બાલુભાઈ માટે બધા જ મીત્ર – પત્ની મીત્ર, પુત્રો મીત્ર, પૌત્રો મીત્ર અને પુત્રવધુઓ પણ મીત્ર.  એકાદબે અંગત મીત્રોને જ્યારે પ્રેમ લગ્ન/સંબંધોમાં તકલીફો પડેલી, ત્યારે ભાઈ એમના માટે ‘અમી ઝરણું’ થતા જોયા છે.  મારા લગ્ન પછી જ્યારે હું અને પ્રીયા પહેલીવાર ભારત ગયેલા અને બાલુભાઈને મળેલા ત્યારે એમણે બે-ત્રણ હાર્દીક, પેચીદા સવાલો કરેલા.  આવા પ્રશ્નો પુછીને અંગત જીવનમાં દખલ કરવાનો એમનો હેતુ તો ન જ હોય – પણ જો ક્યારેય કોઈ સમસ્યા ઉભી થાય તો વડીલ તરીકે માર્ગદર્શન અને મદદ માટે એ હાજર છે, એવો વીશ્વાસ એમણે તાત્કાલીક જીતી લીધો!

Balubhai and Bhabhi

નીડર

એમની વાત કરવાની છટ્ટામાં એક ગર્વ અને નીડરતાની ઝાંખીતો થાય જ, પરંતુ સાચી વાત વ્યક્ત કરવામાં એમને ક્યારેય અચકાતા જોયા નથી.  લે-ભાગુ જ્યોતીશીઓનો વીરોધ કરવામાં (પ્રભાસપાટણમાં રહેતા હોવા છતાં) તેઓ ક્યારેય અચકાયા નથી.  જ્ઞાતીવાદ અંગે સાચો મત દ્રઢતાથી અને દ્વેશરહીત રહીને તે બહુ સરસ રીતે રજુ કરી શકે.  ઘણા મોટી ઉંમરના વડીલોને વ્રુધ્ધત્વથી ડરતાં જોયા છે.  એ બાબતમાં બાલુભાઈને જોઈને વડોદરાની arkeeનો એક ગરબો યાદ આવે છે.  અસ્ત પામતા સુર્ય અંગે લખાયેલું છે, પણ બાલુભાઈના (શારીરીક) વ્રુધ્ધત્વને બંધ બેસતું છે:

  ઉગમણે ઉગીને આથમણે ડુબતો,
    બેઠો છે સુરજ જઈ સંધ્યાની ગોદે...
  અજવાસ્યો વહેંચીને ખાલી થૈ ગ્યાનો,
    સ્હેજે ગભરાટના અંધારી સોડનો...

આવા બાલુભાઈથી પરીચીત હોવું એ એક લ્હાવો છે.  એમની સાથેની થોડીક કલાકની વાતો મહીનાઓ માટે ઉત્સાહનું ઈંધણ આપી જાય છે…

Advertisements