Posts Tagged ‘South America’

દ.અમેરીકા પ્રવાસ – ભાગ ૨: એમેઝોનના જંગલો

જાન્યુઆરી 11, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

ભાગ ૧ માટે અહીં ક્લીક કરો

મનાઉસ (Manaus) અંગે મારી ધારણા હતી કે એમેઝોનનુ કોઈ નાનુ ગામ હશે, અને કેશોદ એરપોર્ટ જેવુ નાનુ એરપોર્ટ હશે.  પરંતુ એ તો ૨૦ લાખની વસ્તી વાળુ, ઘણું જ વીકસીત મહાનગર નીકળ્યુ!  એ જાણીને, જોઈને મને થોડુ દુ:ખ થયુ.  મનાઉસ રાત્રે સાડા અગીયાર વાગ્યે પહોંચ્યા – રીયો કરતા અહીં સમય એક કલાક પાછળ.  રાત્રે મનાઉસની સ્થાનીક હોટેલ – Tropical – મા રહ્યા.  વીષુવવ્રુત્તની ગરમી અને ભેજનો તાત્કાલીક અનુભવ થયો.

સવારે વહેલા ઉઠી, નાસ્તો કરીને અમારી “એરીયાઉ ટાવર્સ હોટેલ” તરફ જવા માટે બોટમા જવાનું હતુ.  ત્યારે પહેલી વાર Reo Negro (The Black River)ના દર્શન થયા.  આટલુ બધુ મીઠુ પાણી પહેલી વાર જોયુ.  અ ધ ધ ધ.. પાણી!  સામેનો કીનારો માંડ દેખાય એટલો એનો પહોળો પટ.  રીયો નેગ્રો એ એમેઝોનને મળતી મહત્વની નદી છે.  અમારી હોટેલ જંગલમાં વચ્ચે ‘એરીયાઉ’ નામની નદી પર હતી.  ત્યાં સુધીની બોટ યાત્રા આશરે બે કલાકમાં પતી.  અમે પહોંચ્યા ત્યારે હોટેલ પર સ્થાનીક આદીવાસીના પ્રતીનીધીઓએ તેમના ભાંતીગળ વાજીંત્રોથી અમારુ સ્વાગત કર્યુ.  હોટેલમાં ચાર ભાષામાં સ્વાગત વાક્યો લખેલા – એ પૈકી એક હીંદી હતી.  એ જોઈને સાનંદાશ્ચર્ય થયુ.

જંગલની ગીચતા, પાણીનું પ્રમાણ અને હરીયાળી જોઈને હું તો મંત્રમુગ્ધ હતો!  એમેઝોનના જંગલમાં – દુનીયાના સૌથી મોટા અને મહત્વના વર્ષાવનોમાં જવાનું એક સ્વપ્ન પુરુ થયુ.

ડીસેમ્બર અહીંની વર્ષારુતુની શરુઆત છે.  જુન સુધીમાં નદીનું પાણી હાલની સપાટી કરતા ૫૦-૬૦ ફુટ ઉંચુ આવી જાય – એટલે હોટેલ એટલી ઉંચી, વાંસના માંચડા પર બનાવેલી હતી.  જમીનથી ૬૦ ફુટ ઉંચે ૭ કી.મી. લાંબો એક રસ્તો બનાવેલો, જે નદી કીનારે અને જંગલમાંથી પસાર થતો હતો – જે અમે સૌ પહેલા ગોલ્ફકાર મા ફરવા ગયા.  સૌથી પહેલું પ્રાણી જગતનું સભ્ય જોયું – વાંદરાઓ!  નાના-નાના પુષ્કળ વાંદરાઓ ચારે બાજુ હતા.  જ્યારે એક પ્રીયાના માથા પર ચડી ગયું ત્યારે વેદને બહુ માંઠુ લાગ્યુ!  અને પક્ષીઓનો તો કોઈ પાર જ નહી!  જાત જાતના અને કદના પક્ષીઓ ચારે બાજુ કલરવ કરતા હતા.  ગરમી અપેક્ષા કરતા ઘણી ઓછી – આશરે ૩૨C જેટલી હતી.

ત્રણ દીવસ સુધી રહેવા, જમવાનું હોટેલમાં જ હતુ.  અમારી ઓળખાણ અમારા ગાઈડ – રોમેરો સાથે કરાવી.  બીજું એક સ્વીડીશ કપલ, બે અમેરીકન છોકરીઓ, અને એક ફ્રેંચ છોકરી, અને અમે લોકો – એવું અમારુ group હતુ.  દીવસ દરમીયાન ઘણી પ્રવ્રુત્તીઓ કરવાની હતી.  સૌથી પહેલા અમે બોટ દ્વારા પીરાન્હા માછલીઓ પકડવા ગયા.  મુખ્યનદીને મળતી બીજી ઘણી નદીઓના ફાંટાઓમાં થઈને જવાનું હતુ.  વાહન વ્યવહારનો મુખ્ય સ્રોત આ વીસ્તારમાં હોડીઓ હતો.  પહેલી જ પ્રવ્રુત્તીમાં “સફારી” સામયીકમાં વાંચેલા બે પ્રાણીઓની મુલાકાત થઈ – સ્લોથ અને પીરાન્હા.  અમારા ગાઈડે fishing line વડે બે પીરાન્હા પકડીને અમને તેના તીક્ષ્ણ દાંત બતાવ્યા.

બીજી રસપ્રદ વાત એ હતી, કે મચ્છરનું નામોનીશાન ન હતું!  રીયો નેગ્રો નદીનું પાણી કુદરતી રીતે જ એસીડીક છે, આથી એ નદી કે એની આજુબાજુના વીસ્તારોમાં બહુ મચ્છર થતા નથી.  પીરાન્હાની મુલાકાત લઈ, પ્રક્રુતીને પેટ ભરીને માણી અમે પાછા ફર્યા.  રાત્રે ‘કેમેન’ પ્રકારની મગરમચ્છની મુલાકાત માટે બધા બોટમાં ગયા, પણ અમે ઘણા થાકી ગયા હોવાથી માત્ર કીનારેથી એક મગર જોઈને સંતોષ માન્યો.

પાણીની માથાકુટ

આપણા શરીરમાં, ખાસ કરીને આંતરડામાં, આપણા કુલ કોષની સંખ્યા કરતા અન્ય બેક્ટેરીયા અને માઈક્રોબ્સની વસાહત વધુ હોય છે.  આથી, નવા વીસ્તારમાં નવું પાણી પીઈને નવી જાતના બેક્ટેરીયાને પેટમાં આશરો આપીએ ત્યારે નવા-જુના બેક્ટેરીયા અને આપણા કોષો વચ્ચે જૈવે-રાસાયણીક યુધ્ધ છેડાય છે – અને પરીણામ – ઝાડા ઉલટી!

એટલે અમે તો bottle water પર હતા, પરંતુ દોઢ વર્ષના વેદ માટે વીશેષ કાળજી રાખવાના હેતુ થી અમે rice cooker લઈને ગયા હતા.  વેદ માટે દરરોજ પીવાનું પાણી ઉકાળવા અને વેદ માટે ખીચડી બનાવવા rice cooker સારુ વપરાયુ.  રીયો મા કુકર અને દુધની બોટલ ધોવા માટે ગરમ પાણીની વ્યવસ્થા હતી, પણ એમેઝોનમ એવી સગવડ તો ક્યાથી કાઢવી?  વળી, દશ બાર દીવસના પ્રવાસને બેદરકારીથી બગાડવાનો તો કોઈ મતલબ નથી.. આથી નવો કીમીયો કર્યો.  Reo Negroના પાણીથી બોટલ ધોયા બાદ, rice cookerમાં જ તેને ઉકાળી નાખવી!  આમ, આખા દીવસની પ્રવ્રુત્તીઓ પછી રાત્રે અમને એક નવું કામ મળ્યુ!

ખેર, બીજા દીવસે સવારે આઠ વાગ્યે જંગલમાં hiking (trekking) કરવા ગયા.  વેદની sling ઘરે ભુલી ગયા હતા, એટલે તેડીને પાંચ માઈલનું hiking કર્યું.  નાનપણમાં વાર્તામાં વાંચેલા ગીચ જંગલની યાદ તાજી કરાવે એવું ગીચ, હરીયાળું જંગલ હતું.  ગરમી અને ભેજને કારણે hiking વધુ અઘરું પડતુ હતુ. રોમેરોએ અમને જંગલમાં રહેવા, બચવા માટેની ઘણી તરકીબો બતાવી.  સતત ભીના રહેતા જંગલમાં તાપણું કેમ કરવું, દીશા કેમ શોધવી, શું ખાવું, શું ના ખાવું, કેવા જીવજંતુઓથી સાવચેતી રાખવી વગેરે વગેરે.  રોમેરો પોતે એમેઝોનમાં જન્મેલો અને ઉછરેલો હતો, એટલે જંગલતો એને આત્મસાત કરેલુ અને આત્મીય હતું.  ધીમે ધીમે જંગલ માણતાં, માહીતી મેળવતા  પાંચ માઈલ hiking કરતાં ત્રણેક કલાક લાગ્યા.  બપોરે મીઠા પાણીની dolphin ને મળવા ગયા.  નદીમાં પડીને dolphinsને માછલીઓ ખવડાવવાની અને તરવાની મજા પડી!  ગુલાબી રંગની dolphins સાથે રમવાની ઘણી મજા આવી.  ત્યાંથી પાછા ફરતા, આશરે ત્રણેક આગ્યે ધોધમાર વરસાદ તુટી પડ્યો.  હોટેલ પર પાછા ફરી, તુરંત એક આદીવાસીના ઘરની મુલાકાતે જવા નીકળ્યા.  ત્યાં જવાનો રસ્તો અત્યંત સાંકળી નદીઓમાં થઈને જતો હતો.  વળી પાણીમાં ઉગતા ઘાંસે બન્ને કીનારેથી અંદરની તરફ પેશકદમી કરેલી.  આથી મોટરબોટને તેમાંથી હંકાવવી ઘણી મુશ્કેલ હતી.  એકાદ દોઢ કલાકે અમે આદીવાસીના ઘરે પહોંચ્યા.  પતી-પત્ની અને એમના દશેક બાળકો જંગલ વચ્ચે રહેતા હતા અને કેટલાક ફળો ઉગાડીને ગુજરાન ચલાવતા.  કોઈ એક વ્રુક્ષના મુળીયા માથી બનતી એક વાનગી અમારી સામે બનાવવી અને અમને ખવડાવી.  રોમેરો એ અમને બીજી ઘણી માહીતી આપી.  આખરે રાત્રે અમે હોટેલ પર પાછા ફર્યા.  નદી કીનારે રાત્રે શાંતી અને અંધારું માણ્યુ.

ત્રીજા દીવસે બપોર પછી બોટમાં મનાઉસ જવા પાછા વળ્યા.  સાંજ મનાઉસની ગલીઓમાં માણી.  રાત્રે વીમાન મારફતે મનાઉસથે રીયો જવા નીકળ્યા.  રીયો થી વીમાન બદલીને બ્યુઓનેસ ઐરીસ – આર્જેન્ટીના પહોંચ્યા.

(ક્રમશ: )

Advertisements

દક્ષીણ અમેરીકા પ્રવાસ – ભાગ ૧: રીયો દી જાનેરો

જાન્યુઆરી 5, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

જતા પહેલા…

દક્ષીણ અમેરીકા જવાનુ “નજીકના ભવીષ્ય”ના કામની યાદીમા નહતુ, પણ એક મીત્રના સુચનથી ડીસેમ્બર ‘૦૮ મા જ જવાનુ થયુ.  કામની વ્યસ્તતાને કારણે બ્રાઝીલ અને આર્જેન્ટીના વીશે બહુ સંશોધનના થઈ શક્યુ.  પોર્ટુગીઝ શીખવા માટે એક પુસ્તક અને ઓડીઓ સી.ડી. પણ વસાવી, પણ “Bom Dia”થી વધુ શીખવાનો સમયના મળ્યો.  બંને દેશોના વીઝા મેળવવા પ્રમાણમા સરળ રહ્યા.  આર્જેન્ટીનાના વીઝાતો પત્ર દ્વારાજ મળી ગયા.  બ્રાઝીલમા એમેઝોનના જંગલમા જવાનુ હોવાથી “પીળા જવર” (yellow fever) ની રસી મુકાવી.  ડોક્ટરે જ્યારે જણાવ્યુ કે જો પીળો જ્વર થાય તો બચવાની સંભાવના ૫૦% જ છે, ત્યારે આ જોખમ ઉપાડવાની થોડી મજા આવી (રસી સાથે રોગ લાગવાની સંભાવના નહીવત છે).  રાબેતા મુજબ ડોક્ટરે અમારા દોઢ વર્ષના પુત્ર – વેદ સાથે જવા અંગે ચેતવણી આપી.  અમે વેદ માટે પાણી અને ખોરાક અંગે પુરતી કાળજી લેવાની બાબતો ડોક્ટરને જણાવી.

બ્રાઝીલ – રેયો ડી જાનેરો
આખરે ડીસેમ્બર ૧૩, ૨૦૦૮ના રોજ હુ, પ્રીયા અને વેદ બ્રાઝીલ, રીયો ડી જાનેરો પહોંચ્યા.  બ્રાઝીલ નવી ઉગતી વૈશ્વીક આર્થીક તાકાતો (BRIC)નો એક ભાગ હોવાથી એ “ભારત જેવુ હશે” એવી ધારણા હતી.  રીયો પહોંચતા જ મન એ સરખામણી પર ઉતરી પડ્યુ. અમને લેવા માટે અમારા અંગ્રેજી બોલતા ગાઈડ અમારા નામનો કાગળ લઈને ઉભા હતા.  એરપોર્ટથી હોટેલ પર જતા એમણે રીયો અને બ્રાઝીલ અંગે પરીચય આપ્યો.  બ્રાઝીલમાં અમેરીકાની સરખામણીમાં, ભારતની જેમજ મોટરનુ કદ નાનું જોવા મળ્યુ, પણ ટ્રાફીક અને લોકો બેશક ભારત કરતા ઓછા હતા.  Infrastructure પણ ઘણુ વીકસીત જોવા મળ્યુ.  અમારી હોટેલ રીયોના કોપાકબાના બીચ પાસે હતી.  એ વીસ્તાર રીયોના દક્ષીણે આવેલો, પ્રવાસીઓ માટેનો ખાસ આકર્શક વીસ્તાર છે.

હોટેલ પર થોડા તાજામાજા થઈને તરત બહાર નીકળ્યા.  સાંકડી ફુટપાથો, ઘણા બધા લોકો, નાની દુકાનો, ફુટપાથો પર વસ્તુઓ વહેંચતા ફેરીયા – બધુ જોઈને મુંબઈ જેવું જ લાગ્યુ.   લોકોની ચામડીનો રંગ પણ આપણા લોકોને મળતો આવે, પરંતુ અત્યંત ગોરાથી માંડીને પુરેપુરા કાળા એવા બધાજ વર્ણના “shades” જોવા મળે.  એ પરથી એવુ લાગ્યુ કે વર્ણભેદ જેવું કશુ આ દેશમા નથી.

બ્રાઝીલ વીષુવવ્રુત્તીય વીસ્તારમાં આવેલો હોવાથી જાત-જાતના ફળોની અને ફળોના રસની દુકાનો ઠેર ઠેર મોજુદ હતી.  ખાસ કરીને અમને તાજા નાળીયેરમાં રસ પડ્યો – અમેરીકામાં તાજા નાળીયેર ક્યાંય મળતા નથી! પણ, રસ્તામા કે દુકાનમા કોઈને ઈંગ્લીશ આવડે નહી! અમે ઈંગ્લીશ-પોર્ટુગીઝ શબ્દકોશ સાથે લઈને ફરીએ, અને એક-એક શબ્દનુ ભાષાંતર કરી, લોકોને સમજાવીએ કે શું જોઈએ છે!  અમને પણ મજા પડે અને એમને પણ.

થોડીવારમા બ્રાઝીલના પ્રખ્યાત કોપાકબાના બીચ પર પહોંચ્યા.  ખ્યાતી સાંભળેલી એવીજ સુંદર છોકરીઓ જોવા મળી!  બીચ ઉપર વોલીબોલ અને ફુટબોલ પણ ઘણા લોકપ્રીય હતા.  મોટાભાગના લોકો સ્થાનીક હતા, પ્રવાસીઓ પ્રમાણમા ઓછા લાગ્યા.  દરીયાને લોકો મન ભરીને માણતા જોવા મળ્યા.  બીચ પર અને અન્યત્ર, મને છોકરીઓ વધુ ‘feminine’ અને છોકરાઓ વધુ ‘musculine’ લાગ્યા, અમેરીકાની સરખામણીમા.  અહીંનો સામાજીક ઢાંચો એવો છે કે લોકો પોતાની sexuality વીશે વધુ જાગ્રુત, સજાગ અને સહજ છે.  મોટી ઉંમરની સ્ત્રીઓ પણ dressing sense ની બાબતમા ઘણી સજાગ અને ઉત્સાહી જોવા મળી.  sexuality જ્યારે સહજ બની જાય ત્યારે લાખો લોકોના મગજ ઘણી નીરર્થક બાબતો અંગેના વીચારોથી મુક્ત થઈ જાય, અને પ્રગતીના પંથે સમાજ કુચ કરી શકે એવુ લાગ્યુ.

બીજી ઉડીને આંખે વળગે એવી બાબત હતી ઉર્જા અને પાણીની બચત અંગેની સભાનતા.  અમેરીકા આ ક્ષેત્રે ઘણુ, ઘણુ પછાત છે, તે વધુ એક વાર અનુભવ્યુ.

બીજા બે દીવસોમાં રીયોની city tour લીધી.  Sugar Loaf mountai પર ગયા, અને દુનીયાની નવી સાત અજાયબીઓ પૈકીની એક – Christ Reedemer – ની મુલાકાત લીધી.  બંને દીવસો વાદળીયા હતા, એટલે પર્વતો પરથી જોવાતા દ્રશ્યો માણી ના શકાયા.  અમારા ગાઈડે જણાવ્યુ કે સ્પેનીશોએ ૧ જાન્યુઆરી, ૧૫૦૨ મા આ વીસ્તાર શોધ્યો.  અહીંનો આખાત તેમને નદી જેવો લાગ્યો, એટલે નામ પાડ્યુ “જાન્યુઆરીની નદી” – Reo De Janeiro.  રીયો મા ઘણા બધા બગીચાઓ અને પુતળાઓ જોવા મળ્યા.  મહાત્મા ગાંધીનું પુતળુ પણ હતુ (એમની લાકડી સાથે!).  અમારા ગાઈડે જણાવ્યુ કે ગાંધી એમના hero છે!

અહીંના લોકોનો પોતાની ભાષા પ્રત્યેનો પ્રેમ જોઈને આપણા અંગ્રેજી-પ્રેમી સમાજ પ્રત્યે ગુસ્સો કરવો, દયા ખાવી કે શરમ અનુભવવી એ ઘણીવાર હું નક્કી ના કરી શક્યો…

એટલાન્ટીક મહાસાગરને પણ ઘણો માણ્યો.  હું દરીયા કીનારે ઉછરેલો છુ, પણ દરીયાને માણવાનું, ખુંદવાનુ વધુ અમેરીકા આવીને શીખ્યો છુ.  અલબત્ત, વેરાવળ રહીને થઈ શકે એટલું તો ઘણુ કરેલુ, પણે તેની વાત પછી ક્યારેક.  રીયોના farmers market મા પણ ગયા, જ્યાં ખેડુતો શાક, ફળો વગેરે રવીવારે સવારે સીધા જ શહેરમા વેચવા આવે છે.  અનાનસ, કેળા, કેરી, જામફળ, નાળીયેર, અને બીજા નામ ના આવડે એવા ઘણા ફળો પેટ ભરીને ખાધા!

આખરે ત્રણ દીવસની મોજ મસ્તી પછી અમે એમેઝોન તરફ ઉપડ્યા.  રીયોથી એમેઝોન જંગલમા આવેલા ‘મનાઉસ’ (Manaus) નામના ગામમા બ્રાઝીલની ગોલ એરલાઈન્સના વીમાનમા જવાનું હતુ, જે તેના નીયત સમય કરતા બે કલાક મોડુ પડ્યુ.  સમયપાલનની બાબતમાં આ દેશને હજી ઘણી પ્રગતી કરવાની છે…

(ક્રમશ:)