Posts Tagged ‘Nature’

અલાસ્કા ભ્રમણ-૨

ઓગસ્ટ 18, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

(ભાગ-૧ માટે અહી ક્લીક કરો)

એક્ઝીટ (Exit) ગ્લેસીયર

પગપાળા જઈને ગ્લેસીયરને પીગળતો જોવો હોય, તો Exit ગ્લેસીયર શ્રેશ્ઠ જગ્યા છે.  કીનાઈ ફ્યોર્ડ નેશનલ પાર્કનુ રેન્જર સ્ટેશન ગ્લેસીયરથી અડધો માઈલ દુર જ છે – જ્યાં તમને બધી માહીતી મળી શકે.  કીનાઈ ફ્યોર્ડ વીસ્તારના લગભગ સત્તર ગ્લેસીયર્સનો સ્રોત “હાર્ડીંગ આઈસફીલ્ડ” છે.  હીમયુગમા પ્રુથ્વી કેવી દેખાતી હશે – તે જોવુ હોય તો હાર્ડીંગ આઈસફીલ્ડની મુલાકાત લેવી જોઈએ.  દુર્ભાગ્યે અમે જયારે પહોચ્યા ત્યારે આખો દીવસ સખત વરસાદ હતો, એટલે આઈસફીલ્ડ સુધીની સાત માઈલની હાઈક ના થઈ.  ૫૦ માઈલ લાંબો, ૩૦ માઈલ પહોળો અને દોઢ-બે હજાર ફુટ જાડો વીશાળ બરફનો પટ્ટો એટલે હાર્ડીંગ આઈસફીલ્ડ.  એમા ફસાયેલી એક ટુકડીને બહાર નીકળવાનો રસ્તો (exit) જે ગ્લેસીયર પરથી મળ્યો તેનુ નામ પડ્યુ એક્ઝીટ ગ્લેસીયર.  ઈ.સ. ૧૯૦૦મા એક “માઈક્રો આઈસ એજ” પુરો થયો – અને ત્યારથી આ ગ્લેસીયર પીછે હઠ કરી રહ્યો છે. ગ્લેસીયર તરફ જતા રસ્તે જુદા-જુદા વર્શના પાટીયા મારેલા – જે બતાવતા હતા કે જુદા જુદા વર્શે ગ્લેસીયરની માયા ક્યા સુધી વીસ્તરેલી હતી.

ગ્લેસીયર પીગળવાની જગ્યા એટલે કોઈ એક બીંદુ સુધી બરફ અને પછી પાણી હશે, અને “ટપકેશ્વર મહાદેવ”ની માફક પાણી ટપકતું હશે – એવી જો તમારી કલ્પના હોય, તો પીગળતો ગ્લેસીયરએ કલ્પનાના ચુરા કર નાખશે!  કોઈ અત્યંત તોફાની ઝરણાની માફક, પ્રતી સેકન્ડે હજારો ગેલન પાણી બરફની તોતીંગ પાટોની નીચેથી, બાજુમાંથી, બે પાટો વચ્ચેની ફાટો/તીરાડોમાંથી, અને અમુક કીસ્સાઓમાં બરફની પાટમા વચ્ચે બોગદું બનાવીને નીકળતું હતું.  આ પાણીના અવાજ અને સુસવાટા મારતા પવનની વચ્ચે જ્યારે કોઈ હીમશીલા થોડી ખસે એનો અવાજ સંભળાય ત્યારે ધ્યાનસ્થ પરીસ્થીતી જેવો ચીદાનંદ અનુભવાય!  કુદરતના વીશાળ નઝરાણાં અને તેની વીશાળ સમયરેખાઓ સામે આપણા જીવનની સુક્ષ્મતા; અને સાથે સાથે આ નૈસર્ગીક વાતાવરણ સાથે લયબધ્ધ થઈ શકવાની આપણી તોતીંગ ક્ષમતાનો એક સાથે અનુભવ મેળવવો એ એક સદભાગ્ય છે…

અંતરીયાળ અલાસ્કા

દરીયાકાંઠાને ‘રામ રામ’ કરી, અમે ડેનાલી નેશનલ પાર્કની મુલાકાતે ગયા. એન્કરેજથી ડેનાલીની પાંચ કલાકની બસ યાત્રા ઘણી મનમોહક રહી.  અલાસ્કાના બધા જ ધોરીમાર્ગો “સીંગલ પટ્ટી” માર્ગો છે.  ડેનાલી જતા રસ્તામાં બહેન સેરા પેલીનનુ ગામ પણ આવ્યું.  બસના ડ્રાઈવર ઘણા મોજીલા હતા અને અલાસ્કાના ઈતીહાસ વીશે માહીતી આપી રહ્યા હતા.  અલાસ્કા રશીયાનો ભાગ હતુ અને અમેરીકાએ એને ખરીદી લીધેલુ એ તો ખ્યાલ હતો, પણ એવું તો કેવું નેગોશીયેશન અમેરીકનોએ કરેલુ એ કુતુહલ મને રહ્યા કરતુ.

તો વાત એમ છે કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમા ટેલીફોનની શોધ થયા બાદ યુરોપ અને અમેરીકાને જોડવા એટલાન્ટીક મહાસાગરના તળીયે કેબલ્સ પાથરવાનુ કામ ચાલુ થયુ.  પહેલી કંપની કે જેણે એ કેબલ્સ પાથર્યા તે થોડા જ સમયમા તુટી ગયા.  આથી કેલીફોર્નીયાથી પેસીફીકના કીનારે કીનારે અલાસ્કાથી થઈ, સાઈબીરીયાથી પુર્વ યુરોપથી ઈંગ્લેન્ડ સુધી કેબલ પાથરવાનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો.  રશીયા/અલાસ્કા તરફથી કામ ચાલુ કરવા માટે અમેરીકાએ રશીયાને ૩ મીલીયન ડોલર્સ આપ્યા.  પણ આ પ્રોજેક્ટ આગળ વધે એ પહેલા બીજી એક કંપનીએ એટલાન્ટીક સમુદ્રના તળીયે સફળતાપુર્વક કેબલ્સ બીછાવી દીધા.  આથી, અલાસ્કા/રશીયામા કેબલ્સ પાથરવાનુ કામ પડતુ મુકાયુ.  અમેરીકનોએ જ્યારે રશીયન ઝાર પાસે પૈસા પાછા માંગ્યા ત્યારે ખબર પડીકે ઝારની તીજોરી ઈંગ્લેન્ડ સામેના યુધ્ધમા ખાલી થઈ ગયેલી!  અમેરીકાનો વીદેશ પ્રધાન વીલીયમ સ્યુઅર્ડ દુરંદેશી હતો.  રશીયનોને અલાસ્કા બ્રીટીશરોના હાથમા જતુ રહે એવો ડર પણ હતો.  આથી અમેરીકાએ ૭.૨ મીલીયન ડોલર્સમા અલાસ્કા મેળવી લીધુ.  જે તે સમયે વીલીયમ સ્યુઅર્ડનો ઘણો વીરોધ થયેલો, પરંતુ તેણે એક ઈન્ટર્વ્યુમા જણાવેલુ કે અલાસ્કા ખરીદવાની નીતીનુ મહત્વ સમજતા વર્શો લાગશે.

આમ આવી વાતો સાંબળતા જોત જોતામા અમે ડેનાલી પહોંચ્યા.  ઉત્તર અમેરીકા ખંડનુ સૌથી ઉંચુ શીખર – માઉન્ટ મેકેન્લી (૨૦,૮૦૦ ફુટ)ડેનાલી નેશનલ પાર્કમા છે.  પાર્કનો વીસ્તાર છે ૬ મીલીયન એકર્સ – જેમા માત્ર ૯૦ માઈલનો જ રસ્તો બનાવેલો છે, એ પૈકી ડામરનો રસ્તો તો માત્ર વીસેક માઈલ જ.  બાકીના ભાગની મુલાકાત લેવા માટે પાર્કની બસોમા જવુ પડે.  અહી ચારે બાજુ જાત-જાતની berries ઉગેલી જોવા મળી.  થોડી જંગલી blue-berries ચુંટીને ખાધી!  એક નાની હાઈક લઈને બીવરે બનાવેલા એક ડેમની મુલાકાત લીધી.  પાર્કની બસની ટુર દરમીયાન બે જગ્યાએ ગ્રીઝલી બેર જોવા મળ્યા – ફેરો સફળ થઈ ગયો :).  એક જગ્યાએ માતા અને બે બચ્ચાની ત્રીપુટી જોઈ, અને બીજુ એક ગ્રીઝલી એકલુ હતુ.  તે ઉપરાંત રૈનડીયર અને બીજા ઘણા પ્રાણીઓ જોયા.  ટ્રી લાઈન અહી ૩,૦૦૦ ફુટ સુધી જ હોય છે – એ નવું જાણવા મળ્યુ.

અહીં પણ ગ્લેસીયર્સ હતા, પણ દરીયા કીનારા જેટલી માત્રામા નહી.  પરંતુ પ્રાગૈતીહાસીક ગ્લેસીયર્સની અસરો ચારે બાજુ જોવા મળતી હતી.  છેલ્લા હીમયુગમા બરફની ચાદર ૩,૦૦૦ ફુટ ઉંચી હતી.  જયારે એ બરફ પીગળવા લાગ્યો ત્યારે નીચેના પર્વતોને ઘસાતો ગયો.  આથી જે પર્વતો ૩,૦૦૦ ફુટથી નીચા હતા એ smooth હતા, જ્યારે તેનાથી ઉંચા પર્વતોનુ બરછટપણું દેખાઈ આવતું.  વીશાળ ચરીયાણની વચ્ચે મોટો ખડક દેખાય ત્યારે સમજી લેવાનુ કે એ ગ્લેસીયરનુ કામ હશે.  પ્રાગૈતીહાસીક કાળમા ગ્લેસીયર્સ ઘણા પહોળા હતા, પરંતો અત્યારે તેઓ પર્વતોમા ઉંચાઈ પર સંકોડાઈને પડ્યા છે.  અત્યારે એમાથી નીકળતુ પાણી હજુ એ જ રસ્તો લે છે, જે હજારો/લાખો વર્શો પહેલા એ નદીના પુર્વજ ગ્લેસીયરે લીધેલો – અને એટલે જ પીગળતા બરફની આ નદીઓ ક્યારેય બે કાંઠે વહેતી નથી.  નદીના પટ પર પાણી કરતા પત્થરો અને કાંકરા વધુ હોય છે, અને પાણી પણ ઘણું જ ડહોળું.  ડેનાલી પાર્કના સૌથી ઉત્તરના બીંદુએ હું બસમાંથી ઉતરીને આવી એક નદીના પટ પર ફર્યો.  ઉત્તર દીશામા સૌથી વધુ દુર પહોંચીને તરત પાછા નહતું આવવુ.  સુસવાટા મારતા પવન, પ્રચંડ વેગથી વહેતી નદી, વીવીધ રંગી પત્થરો, અને વીશાળ પર્વતો વચ્ચે થોડા સમય માટે ખોવાઈ જવાની મજા જ કાંઈ ઔર છે…

Advertisements

પાણી!

જૂન 17, 2009

બીગસર મેરેથોનની તૈયારી વખતે ઘરની પાસે આવેલા એક ઝરણાં પાસે દોડવાનું થતું.  આજે (૬/૧૩/’૦૯) બે મહીના પછી ફરીથી ઝરણા પાસે દોડ્યો.  જાન્યુઆરીથી એપ્રીલ એ કેલીફોર્નીયાની વર્ષાઋતુ છે, આથી એ સમયે ઝરણાના જુદા-જુદા સ્વરુપો જોયેલા – વરસાદ પડતો હોય ત્યારે, વરસાદ પડી ગયાના એક દીવસ પછી, બે દીવસ પછી, વગેરે.  અત્યારે એવું ધારેલું કે બે કોરા મહીના પછી પાણી સુકાઈ ગયુ હશે.  પણ જ્યારે ફુટપાથનો સંગાથ છોડીને ઝરણા પાસે પહોંચ્યો ત્યારે તેના ખળ ખળ વહેતાં પાણીને જોઈને સાનંદાશ્ચર્ય થયું.  પાણી હજી વહેતું હતું, અને સારુ એવું વહેતું હતું.  કુદરતી વાતાવરણમાં પાણીને જોઈને આપણને આટલો આનંદ કેમ આવતો હશે?

ગ્રાન્ડ કેન્યોનની હાઈક વખતે પણ પહેલા waterfallના અવાજથી ઉત્સુક્તા થઈ હતી કે ક્યારે તે જોવા મળે!  કદાચ અમુક બેક્ટેરીયા અને વાઈરસને બાદ કરતાં તમામ સજીવો માટે પાણી આવશ્યક છે.  પરંતુ મનુષ્ય શીવાયની કોઈ જાતીને પાણીના ધોધને “જોવાનો” આનંદ લેતી જોઈ છે?  એવું કેમ ક્યારેય જોવા નથી મળતું કે હરણ કે સીંહના ટોળા ધોધને માત્ર જોવા માટે ભેગા થયા હોય? 🙂

મારું એવુ માનવું છે કે માનવ સંસ્ક્રુતીના ઈતીહાસની ભુમીકા ભાગ ભજવતી હોવી જોઈએ.  કલ્પના કરો કે આદીમાનવો, કદાચ આફ્રીકામાથી સૌ પ્રથમ વાર એશીયા/યુરોપ તરફ જતું એ હજારેક લોકોનું ટોળું પાણી માટે ભટકી રહ્યું છે.  પાણીના સ્રોતની શોધ એમના અસ્તીત્વ માટે અત્યંત જરુરી છે.  એવામાં દુર રહેલા પાણીના ધોધનો અવાજ એમનામાં કેવો ઉત્સાહનો સંચાર કરશે!  અને એ અવાજનું “પગરવું” પકડીને આખરે એ પાણી મેળવશે.  અને એમ પાગૈતીહાસીક સમયથી પાણીના ધોધ, નદી-નાળાં, સરોવર અને દરીયા તરફનું આકર્ષણ આપણા બ્રુહદ માનસપટ પર કોતરાયું હશે!

બીગ સર મેરેથોનની તૈયારી – ૧

ફેબ્રુવારી 2, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

તારીખ: ૨૫ જાન્યુઆરી, ૨૦૦૯, રવીવાર
સ્થળ: હેલ્યર ટ્રેઈલ, સેન હોઝે
અંતર: ૮ માઈલ (૧૨.૮ કીમી)
સમય: ૧ કલાક, ૨૬ મીનીટ

બીગસર મેરેથોન દોડવાનુ ગયા વર્શના અંતના ભાગમાં નક્કી કરેલુ, અને થોડી ઘણી તૈયારી પણ છેલ્લા બે-એક અઠવાડીયાથી શરુ કરેલી છે.  આજે દોડતી વખતે નક્કી કર્યુ કે મેરેથોનની તૈયારીનુ વર્ણન આ બ્લોગ પર મુકવુ.  હેલ્યર ટ્રેઈલ મારી મનગમતી ટ્રેઈલ છે – ઘરથી નજીક છે, અને સેનજોઝેની દક્ષીણે આવેલી હોવા છતાં ઘણી હરીયાળી છે (આજુ બાજુનો વીસ્તાર ઘણો સુકો છે).  શીકાગો મેરેથોનની તૈયારી વખતે અહીં ૨૦ માઈલ દોડેલો; અને કદાચ જેટલી વાર અહીં દોડ્યો છુ એટલી વાર રોલર-બ્લેડીંગ પણ કરેલુ છે.  આમ, જગ્યા ઘણી પરીચીત હતી.

તાપમાન આશરે ૫૫F (~10C) હતું – દોડવા માટે ઘણુ જ અનુકુળ.  પહેલા દોઢ માઈલ આશરે દશ મીનીટ પ્રતી માઈલની ઝડપે દોડ્યો અને પછી સ્ટ્રેચીંગ માટે ઉભો રહ્યો.  પરીવાર સાથે રહેવા માટે શની/રવી માંડ મળતા હોવાથી stretchingમા વધુ સમય ના વીતાવ્યો – માત્ર મુખ્ય સ્નાયુઓનું જ stretching કર્યુ, અને ફરીથી દોડવાનુ ચાલુ કર્યુ.  ટ્રેઈલ ઉપર બહુ લોકો હતા નહી, ક્યારેક કોઈક સાઈકલ પર મળી જતા અને એકાદ-બે લોકો વળી પાળેલુ કુતરાઓ સાથે ટહેલવા નીકળેલા.  હમણાજ વરસાદ પડેલો હોવાથી ઘણી લીલોતરી હતી.  Stretching કર્યા પછી નવા જ ઉત્સાહ સાથે દોડવાનું ચાલુ કર્યુ.  વીચારોના વ્રુંદાવનમાં વીહરતા-વીહરતા ચાર માઈલ ક્યારે પુરા થઈ ગયા એનો ખ્યાલ જ ન આવ્યો.  આજે આઠ માઈલ કરવાના હોવાથી ચાર માઈલે પાછો ફર્યો.

ધ્યાન યોગ વીશે લખવા જેટલો મારો અનુભવ નથી, પણ ધ્યાનની ખરી ક્ષણોમા વીચારો સંપુર્ણ પણે “બંધ” થઈ જાય છે (અથવા ખરા અર્થમા “તમે” વીચારોના “દ્રશ્ટા” બની જાઓ છો) એવું જાણ્યુ છે.  દોડતી વખતે વીચારશુન્યતા તો નહી, પરંતુ હકારાત્મક, સર્જનાત્મક વીચારો ની સરવણી જરુર ફુટે છે, અને અવીરત ચાલુ રહે છે.  આમ આજે દોડતી વખતે જ વીચાર આવ્યો કે દોડવા અંગે બે લેખમાળા ચાલુ કરવી – બીગ સર મેરેથોનની તૈયારી વીશે અને દોડવાની કળા વીશે ગુજરાતીમા માહીતી આપતી એક બીજી શ્રુંખલા.

આઠ માઈલની દોડ આખરે દોઢેક કલાકમાં પુરી થઈ.

દ.અમેરીકા પ્રવાસ – ભાગ ૨: એમેઝોનના જંગલો

જાન્યુઆરી 11, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

ભાગ ૧ માટે અહીં ક્લીક કરો

મનાઉસ (Manaus) અંગે મારી ધારણા હતી કે એમેઝોનનુ કોઈ નાનુ ગામ હશે, અને કેશોદ એરપોર્ટ જેવુ નાનુ એરપોર્ટ હશે.  પરંતુ એ તો ૨૦ લાખની વસ્તી વાળુ, ઘણું જ વીકસીત મહાનગર નીકળ્યુ!  એ જાણીને, જોઈને મને થોડુ દુ:ખ થયુ.  મનાઉસ રાત્રે સાડા અગીયાર વાગ્યે પહોંચ્યા – રીયો કરતા અહીં સમય એક કલાક પાછળ.  રાત્રે મનાઉસની સ્થાનીક હોટેલ – Tropical – મા રહ્યા.  વીષુવવ્રુત્તની ગરમી અને ભેજનો તાત્કાલીક અનુભવ થયો.

સવારે વહેલા ઉઠી, નાસ્તો કરીને અમારી “એરીયાઉ ટાવર્સ હોટેલ” તરફ જવા માટે બોટમા જવાનું હતુ.  ત્યારે પહેલી વાર Reo Negro (The Black River)ના દર્શન થયા.  આટલુ બધુ મીઠુ પાણી પહેલી વાર જોયુ.  અ ધ ધ ધ.. પાણી!  સામેનો કીનારો માંડ દેખાય એટલો એનો પહોળો પટ.  રીયો નેગ્રો એ એમેઝોનને મળતી મહત્વની નદી છે.  અમારી હોટેલ જંગલમાં વચ્ચે ‘એરીયાઉ’ નામની નદી પર હતી.  ત્યાં સુધીની બોટ યાત્રા આશરે બે કલાકમાં પતી.  અમે પહોંચ્યા ત્યારે હોટેલ પર સ્થાનીક આદીવાસીના પ્રતીનીધીઓએ તેમના ભાંતીગળ વાજીંત્રોથી અમારુ સ્વાગત કર્યુ.  હોટેલમાં ચાર ભાષામાં સ્વાગત વાક્યો લખેલા – એ પૈકી એક હીંદી હતી.  એ જોઈને સાનંદાશ્ચર્ય થયુ.

જંગલની ગીચતા, પાણીનું પ્રમાણ અને હરીયાળી જોઈને હું તો મંત્રમુગ્ધ હતો!  એમેઝોનના જંગલમાં – દુનીયાના સૌથી મોટા અને મહત્વના વર્ષાવનોમાં જવાનું એક સ્વપ્ન પુરુ થયુ.

ડીસેમ્બર અહીંની વર્ષારુતુની શરુઆત છે.  જુન સુધીમાં નદીનું પાણી હાલની સપાટી કરતા ૫૦-૬૦ ફુટ ઉંચુ આવી જાય – એટલે હોટેલ એટલી ઉંચી, વાંસના માંચડા પર બનાવેલી હતી.  જમીનથી ૬૦ ફુટ ઉંચે ૭ કી.મી. લાંબો એક રસ્તો બનાવેલો, જે નદી કીનારે અને જંગલમાંથી પસાર થતો હતો – જે અમે સૌ પહેલા ગોલ્ફકાર મા ફરવા ગયા.  સૌથી પહેલું પ્રાણી જગતનું સભ્ય જોયું – વાંદરાઓ!  નાના-નાના પુષ્કળ વાંદરાઓ ચારે બાજુ હતા.  જ્યારે એક પ્રીયાના માથા પર ચડી ગયું ત્યારે વેદને બહુ માંઠુ લાગ્યુ!  અને પક્ષીઓનો તો કોઈ પાર જ નહી!  જાત જાતના અને કદના પક્ષીઓ ચારે બાજુ કલરવ કરતા હતા.  ગરમી અપેક્ષા કરતા ઘણી ઓછી – આશરે ૩૨C જેટલી હતી.

ત્રણ દીવસ સુધી રહેવા, જમવાનું હોટેલમાં જ હતુ.  અમારી ઓળખાણ અમારા ગાઈડ – રોમેરો સાથે કરાવી.  બીજું એક સ્વીડીશ કપલ, બે અમેરીકન છોકરીઓ, અને એક ફ્રેંચ છોકરી, અને અમે લોકો – એવું અમારુ group હતુ.  દીવસ દરમીયાન ઘણી પ્રવ્રુત્તીઓ કરવાની હતી.  સૌથી પહેલા અમે બોટ દ્વારા પીરાન્હા માછલીઓ પકડવા ગયા.  મુખ્યનદીને મળતી બીજી ઘણી નદીઓના ફાંટાઓમાં થઈને જવાનું હતુ.  વાહન વ્યવહારનો મુખ્ય સ્રોત આ વીસ્તારમાં હોડીઓ હતો.  પહેલી જ પ્રવ્રુત્તીમાં “સફારી” સામયીકમાં વાંચેલા બે પ્રાણીઓની મુલાકાત થઈ – સ્લોથ અને પીરાન્હા.  અમારા ગાઈડે fishing line વડે બે પીરાન્હા પકડીને અમને તેના તીક્ષ્ણ દાંત બતાવ્યા.

બીજી રસપ્રદ વાત એ હતી, કે મચ્છરનું નામોનીશાન ન હતું!  રીયો નેગ્રો નદીનું પાણી કુદરતી રીતે જ એસીડીક છે, આથી એ નદી કે એની આજુબાજુના વીસ્તારોમાં બહુ મચ્છર થતા નથી.  પીરાન્હાની મુલાકાત લઈ, પ્રક્રુતીને પેટ ભરીને માણી અમે પાછા ફર્યા.  રાત્રે ‘કેમેન’ પ્રકારની મગરમચ્છની મુલાકાત માટે બધા બોટમાં ગયા, પણ અમે ઘણા થાકી ગયા હોવાથી માત્ર કીનારેથી એક મગર જોઈને સંતોષ માન્યો.

પાણીની માથાકુટ

આપણા શરીરમાં, ખાસ કરીને આંતરડામાં, આપણા કુલ કોષની સંખ્યા કરતા અન્ય બેક્ટેરીયા અને માઈક્રોબ્સની વસાહત વધુ હોય છે.  આથી, નવા વીસ્તારમાં નવું પાણી પીઈને નવી જાતના બેક્ટેરીયાને પેટમાં આશરો આપીએ ત્યારે નવા-જુના બેક્ટેરીયા અને આપણા કોષો વચ્ચે જૈવે-રાસાયણીક યુધ્ધ છેડાય છે – અને પરીણામ – ઝાડા ઉલટી!

એટલે અમે તો bottle water પર હતા, પરંતુ દોઢ વર્ષના વેદ માટે વીશેષ કાળજી રાખવાના હેતુ થી અમે rice cooker લઈને ગયા હતા.  વેદ માટે દરરોજ પીવાનું પાણી ઉકાળવા અને વેદ માટે ખીચડી બનાવવા rice cooker સારુ વપરાયુ.  રીયો મા કુકર અને દુધની બોટલ ધોવા માટે ગરમ પાણીની વ્યવસ્થા હતી, પણ એમેઝોનમ એવી સગવડ તો ક્યાથી કાઢવી?  વળી, દશ બાર દીવસના પ્રવાસને બેદરકારીથી બગાડવાનો તો કોઈ મતલબ નથી.. આથી નવો કીમીયો કર્યો.  Reo Negroના પાણીથી બોટલ ધોયા બાદ, rice cookerમાં જ તેને ઉકાળી નાખવી!  આમ, આખા દીવસની પ્રવ્રુત્તીઓ પછી રાત્રે અમને એક નવું કામ મળ્યુ!

ખેર, બીજા દીવસે સવારે આઠ વાગ્યે જંગલમાં hiking (trekking) કરવા ગયા.  વેદની sling ઘરે ભુલી ગયા હતા, એટલે તેડીને પાંચ માઈલનું hiking કર્યું.  નાનપણમાં વાર્તામાં વાંચેલા ગીચ જંગલની યાદ તાજી કરાવે એવું ગીચ, હરીયાળું જંગલ હતું.  ગરમી અને ભેજને કારણે hiking વધુ અઘરું પડતુ હતુ. રોમેરોએ અમને જંગલમાં રહેવા, બચવા માટેની ઘણી તરકીબો બતાવી.  સતત ભીના રહેતા જંગલમાં તાપણું કેમ કરવું, દીશા કેમ શોધવી, શું ખાવું, શું ના ખાવું, કેવા જીવજંતુઓથી સાવચેતી રાખવી વગેરે વગેરે.  રોમેરો પોતે એમેઝોનમાં જન્મેલો અને ઉછરેલો હતો, એટલે જંગલતો એને આત્મસાત કરેલુ અને આત્મીય હતું.  ધીમે ધીમે જંગલ માણતાં, માહીતી મેળવતા  પાંચ માઈલ hiking કરતાં ત્રણેક કલાક લાગ્યા.  બપોરે મીઠા પાણીની dolphin ને મળવા ગયા.  નદીમાં પડીને dolphinsને માછલીઓ ખવડાવવાની અને તરવાની મજા પડી!  ગુલાબી રંગની dolphins સાથે રમવાની ઘણી મજા આવી.  ત્યાંથી પાછા ફરતા, આશરે ત્રણેક આગ્યે ધોધમાર વરસાદ તુટી પડ્યો.  હોટેલ પર પાછા ફરી, તુરંત એક આદીવાસીના ઘરની મુલાકાતે જવા નીકળ્યા.  ત્યાં જવાનો રસ્તો અત્યંત સાંકળી નદીઓમાં થઈને જતો હતો.  વળી પાણીમાં ઉગતા ઘાંસે બન્ને કીનારેથી અંદરની તરફ પેશકદમી કરેલી.  આથી મોટરબોટને તેમાંથી હંકાવવી ઘણી મુશ્કેલ હતી.  એકાદ દોઢ કલાકે અમે આદીવાસીના ઘરે પહોંચ્યા.  પતી-પત્ની અને એમના દશેક બાળકો જંગલ વચ્ચે રહેતા હતા અને કેટલાક ફળો ઉગાડીને ગુજરાન ચલાવતા.  કોઈ એક વ્રુક્ષના મુળીયા માથી બનતી એક વાનગી અમારી સામે બનાવવી અને અમને ખવડાવી.  રોમેરો એ અમને બીજી ઘણી માહીતી આપી.  આખરે રાત્રે અમે હોટેલ પર પાછા ફર્યા.  નદી કીનારે રાત્રે શાંતી અને અંધારું માણ્યુ.

ત્રીજા દીવસે બપોર પછી બોટમાં મનાઉસ જવા પાછા વળ્યા.  સાંજ મનાઉસની ગલીઓમાં માણી.  રાત્રે વીમાન મારફતે મનાઉસથે રીયો જવા નીકળ્યા.  રીયો થી વીમાન બદલીને બ્યુઓનેસ ઐરીસ – આર્જેન્ટીના પહોંચ્યા.

(ક્રમશ: )