Archive for the ‘Running’ Category

બીગસર મેરેથોન

મે 8, 2009

તારીખ: એપ્રીલ ૨૬, ૨૦૦૯
અંતર: ૨૬.૨ માઈલ (૪૧.૯૨ કી.મી.)
સમય: ૫:૧૭:૫૪ (Tag time) વેગ: ૧૨:૦૪ મીનીટ/માઈલ
૫:૨૦:૩૫ (Gun time)
બીબ # ૧૫૪૮

કેલીફોર્નીયાનો હાઈવે-૧ તેના કુદરતી સૌંદર્ય માટે ઘણો જાણીતો છે.  હાઈવે-૧ એ “સીંગલ પટ્ટી” રસ્તો છે – જે પ્રશાંત મહાસાગરના કીનારે કીનારે ઉત્તરમાં સીએટલથી શરુ કરી, દક્ષીણમાં છેક સેન ડીએગો સુધી જાય છે. બીગસર મેરેથોન આ જ હાઈવે પર સાન ફ્રાન્સીસ્કોથી દક્ષીણે આવેલા બીગસરથી શરુ કરી, મોન્ટરે સુધી દર વર્ષે યોજાય છે. ૨૫ એપ્રીલ ૨૦૦૯ ના રોજ હું, પ્રીયા અને વેદ મોન્ટરે આવી પહોંચ્યા અને એક્સ્પોની મુલાકાત લઈ, બીબ નંબર, આર.એફ. આઈડી, બસ પાસ, વગેરે મેળવી લીધું.  સાંજે “વ્યવહાર મુજબ” ઈટાલીયન રેસ્ટોરંટમાં “કાર્બોલોડીંગ” કર્યું.

(ઘણી) વહેલી શરુઆત

મેરેથોન માટે આયોજકો હાઈવે-૧ ને છ કલાક માટે બંધ કરી દેવાના હતા, અને વળી રેસની શરુઆત જંગલની વચ્ચેથી થતી હોવાથી ત્યાં રહેવાની વ્યવસ્થા નહતી.  આથી સવારે પોણા હાર વાગ્યે મોન્ટરેથી બસની વ્યવસ્થા કરેલી, જે રેસની શરુઆત સુધી દોડવીરોને લઈ જવાની હતી.  ચાર વાગ્યાની બસ લઈ, પાંચ વાગ્યે રેસની શરુઆત પાસે પહોંચ્યો. હજુ અજવાળુ થયેલુ નહતુ, અને ઠંડી સારી એવી હતી.  દોડવા માટેના કપડા ઠંડી સામે બહુ રક્ષણ આપે નહી; ભલુ થાય આયોજકોનું જેમણે ગરમ કોફીની વ્યવસ્થા કરેલી.  સાડા પાંચની આસપાસ ખળભાંખળું થઈ ગયુ.  બીજા રનર્સ સાથે વાતો કરવાની મજા માણી.  જાણીતા મેરેથોનર જેફ ગેલોવે પણ આ મેરેથોન દોડવાના હતા, એમણે સો ઉપર મેરેથોન દોડેલી છે, અને એ વીષય ઉપર ઘણા પુસ્તકો લખેલા છે, અને “વોક બ્રેક” પધ્ધતીના ચુસ્ત હીમાયતી છે.  એમણે સવારે મેરેથોનના માર્ગ વીશે માહીતી આપી.  બીજો અડધો કલાક “સુલભ શૌચાલય”ની લાઈનમાં પસાર થયો. આખરે પોણા સાત વાગ્યે મેરેથોનની શરુઆત થઈ.

શરુઆત

મેરેથોનની શરુઆત ઘણીજ રોમાંચક હોય છે. લગભગ સાડા ત્રણ હજાર લોકો આખી મેરેથોન દોડવાના હતા.  એ ઉપરાંત રીલે, ૨૧-માઈલની રેસ વગેરે થઈને આશરે નવેક હજાર લોકો હતા.  પોણા સાતે અમેરીકાના રાષ્ટ્રગીતના ગાન બાદ બંદુક ફોડીને રેસની શરુઆત થઈ.  શરુઆતના બે માઈલ રેડવુડના જંગલની અંદર હતા.  કેલીફોર્નીયાના કાંઠે આવેલા ઉંચા, વર્ષોજુના રેડવુડ વ્રુક્ષો કુદરતનું અનુપમ નજરાણું છે (“Wild Trees” પુસ્તક વાંચવા જેવું છે). ત્રણેક માઈલ જેટલુ દોડ્યા પછી પહેલી વાર દરીયાના દર્શન થયા.

દરીયાની સાથે સાથે…

ચોથા માઈલે દરીયા કીનારે પહોંચી ગયા.  દરીયાના કીનારે સળંગ પર્વતો છે – અને આખી રેસ આ ટેકરીઓ પર થઈને જાય છે. આથી બીગસરને ઘણી જ અઘરી મેરેથોન ગણવામાં આવે છે.  દરીયાનો સંગાથ “Point Sur Lighthouse”ની ટેકરીથી શરુ થયો.  “આ ખારો વીપુલ જળરાશી…” – ધ્રુવ ભટ્ટની ‘સમુદ્રાન્તીકે’ યાદ આવી ગઈ.  વાતાવરણ દોડવા માટે ઘણુ જ સાનુકુળ હતુ – ગરમી પણ નહી, ઠંડી પણ નહી, ચોખ્ખું આકાશ, ઘુમ્મસ કે વાદળાનું નામનીશાન નહી.  પવન થોડો હતો – ફરીયાદ કરવી પડે એટલો નહી, પણ તેની હાજરીની નોંધ લેવી પડે એટલો તો ખરો.  રસ્તો દરીયા કીનારે ટેકરીઓ પર દરીયાથી આશરે ૨૦૦-૫૦૦ ફુટ દુર, સપાટીથી ૫૦-૨૦૦ ફુટ ઉંચો રહેતો.  એક પછી એક અર્ધ ચંદ્રાકાર કીનારા પસાર થતા જાય એમ દરીયાનું નવું સ્વરુપ સામે આવતું જાય – ‘નામ રુપ જુજવા, પણ અંતેતો હેમનુ હેમ..’.  કેલીફોર્નીયાના દરીયાને માણવાની આનાથી સારી વળી કઈ રીત હોઈ શકે!

આ મેરેથોનની બીજી એક ખાસીયત એ હતી કે દર બે કલાકે કોઈને કોઈ વ્યક્તી કે ગ્રુપ દ્વારા સંગીત પીરસવામાં આવતું.  આયોજકોએ જણાવેલું એ મુજબ તમારી દરેક ‘senses’ને તરબત્તર કરે એવો આ અનુભવ હતો!

હરીકેન પોઈંટ

માઈલ આઠથી હરીકેન પોઈંટ – રેસનું સૌથી ઉંચુ સ્થળ માટેનું ચઢાણ શરુ થયુ. ક.મા. મુન્શીની “સીધા ચઢાણ” જેવું તો સીધુ નહતું, પણ ચાર માઈલનું ધીમું પણ સતત ચઢાણ હતુ; જે ત્યારે તો અઘરુ ના લાગ્યુ, પણ પછીથી એની અસર વર્તાઈ.  પવન સારો એવો હતો, પણ હરીકેન પોઈંટ નામ આપવામા તો નાઈન્સાફી જ છે – પ્રશાંત મહાસાગરનુ નામ કાંઈ એમ જ નથી પડ્યું – એ ખરેખર શાંત છે, અમેરીકાના પશ્ચીમ કીનારે તો ખરો જ!  હરીકેન પોઈંટની ટેકરી ઉતરીને અત્યંત પ્રસીધ્ધ એવો બીક્સબી બ્રીજ અનુભવ્યો. પુલ ઉતરતા જ ભાઈ શ્રી માઈકલ માર્ટીનેઝનુ પીયાનો વાદન માણ્યું.  એ પછીના ૧૨ માઈલ સતત ચઢાણ-ઉતરાણ વાળી નાની ટેકરીઓ રહી.

દરીયાનો સંગાથ છેક સુધી રહ્યો.  લગભગ આખા કીનારે કેલ્પ ફોરેસ્ટની હાજરી દરીયામા વર્તાઈ આવતી હતી.  થોડા અંતરે ‘Report whale sighting’ના બોર્ડ જોવા મળ્યા.  આ કીનારો ગ્રે વ્હેલના માઈગ્રેશનના રસ્તે આવેલો છે, અને વસંત રુતુમા ગ્રે વ્હેલ જ્યારે તેના ‘નવજાત શીશુ’ને લઈને ઉત્તર તરફ જતી હોય ત્યારે કીલર વ્હેલ તેના શીકારની વેતરણમાં હોય છે.  મોન્ટરે પાસેની દરીયાઈ ખીણ ખાસ કરીને ગ્રે વ્હેલ માટે ખાસ્સી જોખમી છે. વ્હેલ સાથેની આત્મીયતા માણતાં ‘કોનટીકી’ યાદ આવી ગઈ.

આમ પ્રક્રુતી માણતા, રસ્તાના કીનારે ઉભેલા પ્રોત્સાહકો સાથે કીલ્લોલ કરતાં બાકીનો સમય અને અંતર જોતજોતામાં પસાર થઈ ગયાં. દર બે માઈલે આવતા water stationsમા આયોજકોએ સફરજન, કેળા, સંતરા, અને વળી એક જગ્યાએ તાજી સ્ટ્રોબેરીની વ્યવસ્થા કરેલી.

આખરે પાંચ કલાક ૧૭ મીનીટની દોડ બાદ પ્રીયા અને વેદ સાથે ફરીથી મીલન થયું! 🙂

Pictures: http://public.fotki.com/mehul-asha/bigsurmarathon/

Advertisements

દોડવાની કળા – ૧: ગેરસમજણો

ફેબ્રુવારી 2, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

દોડવુ એ એક સાહજીક ક્રીયા છે.  આમ છતા, મેરેથોન માટે જ્યારે લાંબા અંતરની દોડ માટે તૈયારીઓ કરી, ત્યારે ઘણુ નવુ જાણવા મળ્યુ.  દોડવુ એ એક એવી hobby છે કે જે કોઈ પણ જગ્યાએ કરી શકાય, એ માટે કોઈ gym ના સભ્ય થવાની જરુર નથી, કોઈ પણ રુતુમા થઈ શકે, અને એકલા પણ કરી શકાય.  બીજા ઘણા શોખોની સરખામણીમા દોડવાનો શોખ ખર્ચાળ પણ નથી – માત્ર એક જોડી સારા શુઝ અને ઈચ્છાશક્તી જોઈએ.  એટલે ભારતના કીશોરો/યુવાનો/વ્રુધ્ધો માટે દોડવાને હોબી પ્રચલીત/લોકભોગ્ય કરવાની જરુર છે.  એ માટે જરુર છે જાગ્રુતી, awarenessની.  આવા જ કંઈક વીચારોથી પ્રેરાઈને આ લેખમાળાની શરુઆત કરી છે.

તો આજે શરુઆત કેટલીક ગેરસમજણો દુર કરવાથી કરીએ – અને એ પ્રશ્નોત્તરના સ્વરુપે કરીશુ.  આ પ્રશ્નો જુદા જુદા લોકોએ મને પહેલા પુછેલા છે:

૧. શું દોડવાથી લાંબે ગાળે ઘુંટણના દુખાવાની શક્યતા રહે છે? / વધુ પડતુ દોડવાથી “હાડકા ઘસાઈ” જાય?

દોડવાથી arthritis થઈ જાય એવી ગેરસમજણ માથી ઉપજેલી આ માન્યતા છે.  હકીકત એ છે કે ઘણા સંશોધનો એવા તારણ પર આવ્યા છે કે જે લોકો દોડતા હોય, કે અન્ય કસરત કરતા હોય એમને મોટી ઉંમરે આર્થરાઈટીસ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.  ઉપરાંત, આપણા હાડકા કંઈ ધાતુના તો બનેલા નથી, કે તેમા ઘસારો થાય!  ઉલટુ, કસરત કરવાથી, અને યોગ્ય ટ્રૈનીંગ લેવાથી સ્નાયુઓ અને હાડકા વધુ મજબુત બને છે.

૨. મેરેથોનની દોડમાં તમે વચ્ચે ઉભા રહી શકો / ચાલી શકો?

મેરેથોનનુ કુલ અંતર ૨૬.૨ માઈલ (૪૧.૯૨ કીમી) છે.  માનવ શરીર આટલી લાંબી દોડ સતત દોડવા માટે રચાયું નથી, એટલે વચ્ચે થોડા-થોડા સમયે ચાલવુ / ઉભા રહેવુ એ સામાન્ય છે.  અલબત્ત, સ્પર્ધાત્મક ખેલાડીઓ તો સળંગ દોડતા જ હોય છે, પણ બાકી બધા લોકો માટે run/walk stretegy જ સારી પડે.  આમ પણ પાણી કે અન્ય પીણાં પીવા માટે ઉભા તો રહેવું પડે જ.

૩. મેરેથોનમા “તમારો કેટલામો નંબર આવ્યો”?

માનો કે ના માનો – ઘણા લોકોએ આ પ્રશ્ન પુછેલો છે.  મેરેથોન એ મોટા ભાગના લોકો માટે સ્પર્ધાત્મક રમત નથી. આખી મેરેથોન સફળતાપુર્વક દોડવી, એ જ એક સીધ્ધી છે.  જાણીતી મેરેથોનમા હજારો લોકો દોડતા હોય છે, અને પહેલા દશ થી કદાચ પચાસેક નંબર વાળા લોકો “નંબર માટે” દોડતા હશે.  બાકી મેરેથોન એ એક તમારી પોતાની નબળાઈઓ સામે જીત મેળવવાની રમત છે.  કોઈ વ્યક્તીએ મેરેથોન દોડેલી હોય તેને પુછવા માટેનો વધુ સારો પ્રશ્ન છે – “તમે કેટલા સમયમાં મેરેથોન દોડ્યા?” 🙂

આજ માટે બસ આટલું જ…

બીગ સર મેરેથોનની તૈયારી – ૧

ફેબ્રુવારી 2, 2009

(આ લેખ એક ઈ/ઉ વાળી સરળ ઉંઝા જોડણીમાં લખેલો છે)

તારીખ: ૨૫ જાન્યુઆરી, ૨૦૦૯, રવીવાર
સ્થળ: હેલ્યર ટ્રેઈલ, સેન હોઝે
અંતર: ૮ માઈલ (૧૨.૮ કીમી)
સમય: ૧ કલાક, ૨૬ મીનીટ

બીગસર મેરેથોન દોડવાનુ ગયા વર્શના અંતના ભાગમાં નક્કી કરેલુ, અને થોડી ઘણી તૈયારી પણ છેલ્લા બે-એક અઠવાડીયાથી શરુ કરેલી છે.  આજે દોડતી વખતે નક્કી કર્યુ કે મેરેથોનની તૈયારીનુ વર્ણન આ બ્લોગ પર મુકવુ.  હેલ્યર ટ્રેઈલ મારી મનગમતી ટ્રેઈલ છે – ઘરથી નજીક છે, અને સેનજોઝેની દક્ષીણે આવેલી હોવા છતાં ઘણી હરીયાળી છે (આજુ બાજુનો વીસ્તાર ઘણો સુકો છે).  શીકાગો મેરેથોનની તૈયારી વખતે અહીં ૨૦ માઈલ દોડેલો; અને કદાચ જેટલી વાર અહીં દોડ્યો છુ એટલી વાર રોલર-બ્લેડીંગ પણ કરેલુ છે.  આમ, જગ્યા ઘણી પરીચીત હતી.

તાપમાન આશરે ૫૫F (~10C) હતું – દોડવા માટે ઘણુ જ અનુકુળ.  પહેલા દોઢ માઈલ આશરે દશ મીનીટ પ્રતી માઈલની ઝડપે દોડ્યો અને પછી સ્ટ્રેચીંગ માટે ઉભો રહ્યો.  પરીવાર સાથે રહેવા માટે શની/રવી માંડ મળતા હોવાથી stretchingમા વધુ સમય ના વીતાવ્યો – માત્ર મુખ્ય સ્નાયુઓનું જ stretching કર્યુ, અને ફરીથી દોડવાનુ ચાલુ કર્યુ.  ટ્રેઈલ ઉપર બહુ લોકો હતા નહી, ક્યારેક કોઈક સાઈકલ પર મળી જતા અને એકાદ-બે લોકો વળી પાળેલુ કુતરાઓ સાથે ટહેલવા નીકળેલા.  હમણાજ વરસાદ પડેલો હોવાથી ઘણી લીલોતરી હતી.  Stretching કર્યા પછી નવા જ ઉત્સાહ સાથે દોડવાનું ચાલુ કર્યુ.  વીચારોના વ્રુંદાવનમાં વીહરતા-વીહરતા ચાર માઈલ ક્યારે પુરા થઈ ગયા એનો ખ્યાલ જ ન આવ્યો.  આજે આઠ માઈલ કરવાના હોવાથી ચાર માઈલે પાછો ફર્યો.

ધ્યાન યોગ વીશે લખવા જેટલો મારો અનુભવ નથી, પણ ધ્યાનની ખરી ક્ષણોમા વીચારો સંપુર્ણ પણે “બંધ” થઈ જાય છે (અથવા ખરા અર્થમા “તમે” વીચારોના “દ્રશ્ટા” બની જાઓ છો) એવું જાણ્યુ છે.  દોડતી વખતે વીચારશુન્યતા તો નહી, પરંતુ હકારાત્મક, સર્જનાત્મક વીચારો ની સરવણી જરુર ફુટે છે, અને અવીરત ચાલુ રહે છે.  આમ આજે દોડતી વખતે જ વીચાર આવ્યો કે દોડવા અંગે બે લેખમાળા ચાલુ કરવી – બીગ સર મેરેથોનની તૈયારી વીશે અને દોડવાની કળા વીશે ગુજરાતીમા માહીતી આપતી એક બીજી શ્રુંખલા.

આઠ માઈલની દોડ આખરે દોઢેક કલાકમાં પુરી થઈ.