બીગસર મેરેથોન

તારીખ: એપ્રીલ ૨૬, ૨૦૦૯
અંતર: ૨૬.૨ માઈલ (૪૧.૯૨ કી.મી.)
સમય: ૫:૧૭:૫૪ (Tag time) વેગ: ૧૨:૦૪ મીનીટ/માઈલ
૫:૨૦:૩૫ (Gun time)
બીબ # ૧૫૪૮

કેલીફોર્નીયાનો હાઈવે-૧ તેના કુદરતી સૌંદર્ય માટે ઘણો જાણીતો છે.  હાઈવે-૧ એ “સીંગલ પટ્ટી” રસ્તો છે – જે પ્રશાંત મહાસાગરના કીનારે કીનારે ઉત્તરમાં સીએટલથી શરુ કરી, દક્ષીણમાં છેક સેન ડીએગો સુધી જાય છે. બીગસર મેરેથોન આ જ હાઈવે પર સાન ફ્રાન્સીસ્કોથી દક્ષીણે આવેલા બીગસરથી શરુ કરી, મોન્ટરે સુધી દર વર્ષે યોજાય છે. ૨૫ એપ્રીલ ૨૦૦૯ ના રોજ હું, પ્રીયા અને વેદ મોન્ટરે આવી પહોંચ્યા અને એક્સ્પોની મુલાકાત લઈ, બીબ નંબર, આર.એફ. આઈડી, બસ પાસ, વગેરે મેળવી લીધું.  સાંજે “વ્યવહાર મુજબ” ઈટાલીયન રેસ્ટોરંટમાં “કાર્બોલોડીંગ” કર્યું.

(ઘણી) વહેલી શરુઆત

મેરેથોન માટે આયોજકો હાઈવે-૧ ને છ કલાક માટે બંધ કરી દેવાના હતા, અને વળી રેસની શરુઆત જંગલની વચ્ચેથી થતી હોવાથી ત્યાં રહેવાની વ્યવસ્થા નહતી.  આથી સવારે પોણા હાર વાગ્યે મોન્ટરેથી બસની વ્યવસ્થા કરેલી, જે રેસની શરુઆત સુધી દોડવીરોને લઈ જવાની હતી.  ચાર વાગ્યાની બસ લઈ, પાંચ વાગ્યે રેસની શરુઆત પાસે પહોંચ્યો. હજુ અજવાળુ થયેલુ નહતુ, અને ઠંડી સારી એવી હતી.  દોડવા માટેના કપડા ઠંડી સામે બહુ રક્ષણ આપે નહી; ભલુ થાય આયોજકોનું જેમણે ગરમ કોફીની વ્યવસ્થા કરેલી.  સાડા પાંચની આસપાસ ખળભાંખળું થઈ ગયુ.  બીજા રનર્સ સાથે વાતો કરવાની મજા માણી.  જાણીતા મેરેથોનર જેફ ગેલોવે પણ આ મેરેથોન દોડવાના હતા, એમણે સો ઉપર મેરેથોન દોડેલી છે, અને એ વીષય ઉપર ઘણા પુસ્તકો લખેલા છે, અને “વોક બ્રેક” પધ્ધતીના ચુસ્ત હીમાયતી છે.  એમણે સવારે મેરેથોનના માર્ગ વીશે માહીતી આપી.  બીજો અડધો કલાક “સુલભ શૌચાલય”ની લાઈનમાં પસાર થયો. આખરે પોણા સાત વાગ્યે મેરેથોનની શરુઆત થઈ.

શરુઆત

મેરેથોનની શરુઆત ઘણીજ રોમાંચક હોય છે. લગભગ સાડા ત્રણ હજાર લોકો આખી મેરેથોન દોડવાના હતા.  એ ઉપરાંત રીલે, ૨૧-માઈલની રેસ વગેરે થઈને આશરે નવેક હજાર લોકો હતા.  પોણા સાતે અમેરીકાના રાષ્ટ્રગીતના ગાન બાદ બંદુક ફોડીને રેસની શરુઆત થઈ.  શરુઆતના બે માઈલ રેડવુડના જંગલની અંદર હતા.  કેલીફોર્નીયાના કાંઠે આવેલા ઉંચા, વર્ષોજુના રેડવુડ વ્રુક્ષો કુદરતનું અનુપમ નજરાણું છે (“Wild Trees” પુસ્તક વાંચવા જેવું છે). ત્રણેક માઈલ જેટલુ દોડ્યા પછી પહેલી વાર દરીયાના દર્શન થયા.

દરીયાની સાથે સાથે…

ચોથા માઈલે દરીયા કીનારે પહોંચી ગયા.  દરીયાના કીનારે સળંગ પર્વતો છે – અને આખી રેસ આ ટેકરીઓ પર થઈને જાય છે. આથી બીગસરને ઘણી જ અઘરી મેરેથોન ગણવામાં આવે છે.  દરીયાનો સંગાથ “Point Sur Lighthouse”ની ટેકરીથી શરુ થયો.  “આ ખારો વીપુલ જળરાશી…” – ધ્રુવ ભટ્ટની ‘સમુદ્રાન્તીકે’ યાદ આવી ગઈ.  વાતાવરણ દોડવા માટે ઘણુ જ સાનુકુળ હતુ – ગરમી પણ નહી, ઠંડી પણ નહી, ચોખ્ખું આકાશ, ઘુમ્મસ કે વાદળાનું નામનીશાન નહી.  પવન થોડો હતો – ફરીયાદ કરવી પડે એટલો નહી, પણ તેની હાજરીની નોંધ લેવી પડે એટલો તો ખરો.  રસ્તો દરીયા કીનારે ટેકરીઓ પર દરીયાથી આશરે ૨૦૦-૫૦૦ ફુટ દુર, સપાટીથી ૫૦-૨૦૦ ફુટ ઉંચો રહેતો.  એક પછી એક અર્ધ ચંદ્રાકાર કીનારા પસાર થતા જાય એમ દરીયાનું નવું સ્વરુપ સામે આવતું જાય – ‘નામ રુપ જુજવા, પણ અંતેતો હેમનુ હેમ..’.  કેલીફોર્નીયાના દરીયાને માણવાની આનાથી સારી વળી કઈ રીત હોઈ શકે!

આ મેરેથોનની બીજી એક ખાસીયત એ હતી કે દર બે કલાકે કોઈને કોઈ વ્યક્તી કે ગ્રુપ દ્વારા સંગીત પીરસવામાં આવતું.  આયોજકોએ જણાવેલું એ મુજબ તમારી દરેક ‘senses’ને તરબત્તર કરે એવો આ અનુભવ હતો!

હરીકેન પોઈંટ

માઈલ આઠથી હરીકેન પોઈંટ – રેસનું સૌથી ઉંચુ સ્થળ માટેનું ચઢાણ શરુ થયુ. ક.મા. મુન્શીની “સીધા ચઢાણ” જેવું તો સીધુ નહતું, પણ ચાર માઈલનું ધીમું પણ સતત ચઢાણ હતુ; જે ત્યારે તો અઘરુ ના લાગ્યુ, પણ પછીથી એની અસર વર્તાઈ.  પવન સારો એવો હતો, પણ હરીકેન પોઈંટ નામ આપવામા તો નાઈન્સાફી જ છે – પ્રશાંત મહાસાગરનુ નામ કાંઈ એમ જ નથી પડ્યું – એ ખરેખર શાંત છે, અમેરીકાના પશ્ચીમ કીનારે તો ખરો જ!  હરીકેન પોઈંટની ટેકરી ઉતરીને અત્યંત પ્રસીધ્ધ એવો બીક્સબી બ્રીજ અનુભવ્યો. પુલ ઉતરતા જ ભાઈ શ્રી માઈકલ માર્ટીનેઝનુ પીયાનો વાદન માણ્યું.  એ પછીના ૧૨ માઈલ સતત ચઢાણ-ઉતરાણ વાળી નાની ટેકરીઓ રહી.

દરીયાનો સંગાથ છેક સુધી રહ્યો.  લગભગ આખા કીનારે કેલ્પ ફોરેસ્ટની હાજરી દરીયામા વર્તાઈ આવતી હતી.  થોડા અંતરે ‘Report whale sighting’ના બોર્ડ જોવા મળ્યા.  આ કીનારો ગ્રે વ્હેલના માઈગ્રેશનના રસ્તે આવેલો છે, અને વસંત રુતુમા ગ્રે વ્હેલ જ્યારે તેના ‘નવજાત શીશુ’ને લઈને ઉત્તર તરફ જતી હોય ત્યારે કીલર વ્હેલ તેના શીકારની વેતરણમાં હોય છે.  મોન્ટરે પાસેની દરીયાઈ ખીણ ખાસ કરીને ગ્રે વ્હેલ માટે ખાસ્સી જોખમી છે. વ્હેલ સાથેની આત્મીયતા માણતાં ‘કોનટીકી’ યાદ આવી ગઈ.

આમ પ્રક્રુતી માણતા, રસ્તાના કીનારે ઉભેલા પ્રોત્સાહકો સાથે કીલ્લોલ કરતાં બાકીનો સમય અને અંતર જોતજોતામાં પસાર થઈ ગયાં. દર બે માઈલે આવતા water stationsમા આયોજકોએ સફરજન, કેળા, સંતરા, અને વળી એક જગ્યાએ તાજી સ્ટ્રોબેરીની વ્યવસ્થા કરેલી.

આખરે પાંચ કલાક ૧૭ મીનીટની દોડ બાદ પ્રીયા અને વેદ સાથે ફરીથી મીલન થયું! 🙂

Pictures: http://public.fotki.com/mehul-asha/bigsurmarathon/

Advertisements

4 Responses to “બીગસર મેરેથોન”

 1. Pankaj Bhimani Says:

  boss majaa padi gai…

  “kharo vipul jalrashi”, beleive me , aa vanchi ne tarat aapanane pan “Samudrantike” yaaad aavi ne pachhee tarat enu naam pan vanchyu…

  “vhel sathe ni atmiyata” aa vanchine kharekhar “kontiki” (spelling khoto hoi shake, gujarati ma vancheli ne haha” yaad aavi pan pachhu enu naam tarat vanchva malyu,,,,,

  aa be vaato parthi bahu badhu junu junu yaad aavi gayu, ….Jule Vern, captain Nemo, Balubhai, ketli badhi books, club meetings, 12th ni exam ni tamara ghare kareli preparation :), terrace, telescopes, hobby festivals, “Bhai ni masala wali Cha” ,

  Nostralgiaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

 2. Chirag Patel Says:

  વાંચીને મઝા આવી ગઈ. રસપ્રદ લખાણ છે. ફોટા જોયા બાદ એ જગ્યે જવાનું મન થઈ આવ્યું (દોડવા માટે નહી જો કે, બેસવા માટે 😉 ).

 3. કાર્તિક Says:

  ક્યાંથી મેરેથોન શબ્દ પરથી આ પોસ્ટ મળી. ઘણાં વર્ષ થઇ ગયા, આ પોસ્ટને! પણ, અભિનંદન. દોડવાનું ચાલુ જ છે??

 4. Mehul Says:

  જી હજી ચાલુ જ છે. 🙂

  હવે ભારત પાછો ફરી ગયો છું, છેલ્લે Kaveri Trail Marathon દોડેલો, મૈસુર પાસે – પાંચેક મહીના પહેલા પહેલા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: